પાણીપતની ત્રીજી લડાઈ

પાણીપતની ત્રીજી લડાઈ દિલ્હીથી આશરે ૧૦૦ કિમી ઉત્તરે પાણીપત ખાતે ૧૪ જાન્યુઆરી ૧૭૬૧ના રોજ ખાસ અભિયાન પર રહેલા મરાઠા સામ્રાજ્યનાં સૈન્ય અને હુમલાખોર અફઘાન દુર્રાની સામ્રાજ્યનાં સૈન્ય વચ્ચે લડવામાં આવી હતી. અફઘાન સેનાને સ્થાનિક મિત્ર રાજ્યો ગંગા-યમુના પ્રદેશના અફઘાન રોહિલ્લા નજીબ-ઉદ્-દૌલા અને અવધના નવાબની મદદ હતી. સૈન્ય દૃષ્ટિએ જોતાં લડાઈ મરાઠા અશ્વદળ અને તોપખાનાં તથા અફઘાન મૂળના અબ્દાલી અને નજીબ-ઉદ્-દૌલાના નેતૃત્વ હેઠળની અફઘાન અને રોહિલ્લા ભારે અશ્વદળ અને તોપખાનાં (ઝંબુરાક અને જેઝૈલ) વચ્ચે હતી. આ લડાઈને ૧૮મી સદીની સૌથી મોટી અને નોંધપાત્ર લડાઈ માનવામાં આવે છે[૯] અને કદાચિત તે બે સૈન્ય વચ્ચે પરંપરાગત રીતે લડાતી લડાઈમાં એક દિવસમાં નોંધાયેલ સૌથી વધુ ખુવારીનો વિક્રમ પણ ધરાવે છે.

પાણીપતની ત્રીજી લડાઈ
તિથિ૧૪ જાન્યુઆરી ૧૭૬૧
સ્થાનપાણીપત (આધુનિક હરિયાણા, ભારત)
29°23′N 76°58′E / 29.39°N 76.97°E / 29.39; 76.97
પરિણામઅફઘાન વિજય[૧]
ક્ષેત્રીય
બદલાવ
મરાઠાઓએ સતલજ નદીની ઉત્તરે પંજાબનું આધિપત્ય અફઘાનો પાસે ગુમાવ્યું. લડાઈ બાદ અહમદ શાહ દુર્રાનીએ દિલ્હી ખાલી કર્યું. થોડા સમય માટે મરાઠા સામ્રાજ્યનું વિસ્તરણ અટકી ગયું.
યોદ્ધા
દુર્રાની સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય
સેનાનાયક
અહમદ શાહ અબ્દાલી (દુર્રાની સામ્રાજ્યના શાહ)
તીમુર શાહ દુર્રાની
વઝીર વલી ખાન[૨]
શાહ પસંદ ખાન[૨]
જહાન ખાન[૨]
શુજા-ઉદ્-દૌલા
નજીબ-ઉદ્-દૌલા

હાફીઝ રહમત ખાન[૨]
ડુન્ડી ખાન[૨]
બાંઘસ ખાન[૨]
સદાશિવરાવ ભાઉ
વિશ્વાસરાવ
મલ્હારરાવ હોલકર
મહાડજી શીંદે
ઈબ્રાહીમ ખાન ગાર્દી
જાંકોજી શીંદે
શમશેર બહાદુર
યશવંતરાવ પૌડ
માનાજી પૈગુડે
અરવંદેકર રેગે
પુરન્દરે
વિંચુરકર (પાયદળ અને અશ્વદળ)
સિદોજી ગડગે
શક્તિ/ક્ષમતા
* ૩૫,૦૦૦ અશ્વદળ
  • ૨૮,૦૦૦ પાયદળ
  • ૩૦,૦૦૦ રોહિલ્લા અફઘાન
  • ૧૦,૦૦૦ અનામત
  • ૪,૦૦૦ ખાનગી અંગરક્ષકો
  • ૫,૦૦૦ કિઝિલબશ
  • ૧૨૦-૧૩૦ તોપો
  • મોટી સંખ્યામાં તાલીમ વિનાના સૈનિકો
  • કુલ ૧,૦૦,૦૦૦ નું સૈન્ય
* ૨૫,૦૦૦ અશ્વદળ
  • ૨૦,૦૦૦ પાયદળ (ગાર્દી રાઇફલ પાયદળની નવ પલટણોમાં વહેંચાયેલું)
  • ૧૫,૦૦૦ પિંડારી
  • ૩૦,૦૦૦ રોહિલ્લા અફઘાન (પક્ષપલટો કરેલા)
  • ૨૦૦ તોપ
  • આ સૈન્ય સાથે આશરે ૨,૦૦,૦૦૦ સામાન્ય નાગરિકો હતા જેમાં યાત્રાળુઓ અને છાવણીનો પીછો કરનાર સામેલ હતા[૩]
  • કુલ ૮૦,૦૦૦નું સૈન્ય અને ૨,૦૦,૦૦૦ સામાન્ય નાગરિકો.[૪]
મૃત્યુ અને હાની
આશરે ૪૦,૦૦૦ સૈનિકો મૃત.[૫][૬][૭]અંદાજે ૪૦,૦૦૦-૫૦,૦૦૦ સૈનિકો મૃત.[૮] વધુ ૪૦,૦૦૦-૭૦,૦૦૦ સામાન્ય નાગરિકોનો લડાઈ બાદ નરસંહાર[૫][૬]

ઈતિહાસકારોમાં લડાઈના સચોટ સ્થળ વિશે મતભેદ પ્રવર્તે છે પણ મોટાભાગના નિષ્ણાતોના મતે લડાઈ સાંપ્રત કાલા અંબ અને સનૌલી માર્ગ નજીકના કોઈ સ્થળે લડવામાં આવી હતી. લડાઈ ઘણા દિવસ ચાલી અને તેમાં આશરે ૧,૨૫,૦૦૦ સૈનિકોએ ભાગ લીધો હતો. બંને પક્ષોએ નુકસાન અને ફાયદાઓ સાથે સંખ્યાબંધ અથડામણો થઈ હતી. મરાઠા સૈન્યની ઘણી પાંખોનો નાશ કરીને અહમદ શાહ દુર્રાનીનું સૈન્ય વિજયી રહ્યું હતું. ઈતિહાસકારોમાં બંને પક્ષે થયેલ ખુવારી બાબતે પણ મતભેદ પ્રવર્તે છે અને લડાઈ દરમિયાન કુલ મૃતકોની સંખ્યા ૬૦,૦૦૦-૭૦,૦૦૦ માનવામાં આવે છે, જ્યારે ઘાયલો અને કેદ પકડાયેલાની સંખ્યા બાબતે મતભેદ છે. શુજા-ઉદ્-દૌલાના દીવાન કાશી રાજે તેમના પ્રથમદર્શી અનુભવની નોંધ કરતા બાખરને માન્ય ગણવામાં આવે છે અને તે અનુસાર લડાઈના બીજા દિવસે ૪૦,૦૦૦ મરાઠા બંદીઓનો ઠંડા કલેજે નરસંહાર કરવામાં આવ્યો હતો. ગ્રાન્ટ ડફે આ નરસંહારોમાં જીવિત બચેલા વ્યક્તિનો સાક્ષાત્કાર તેમના પુસ્તક હિસ્ટરી ઑફ મરાઠામાં સામેલ કર્યો છે અને તે આ અંદાજને સમર્થન આપે છે. શેજવાલકરના લઘુ પુસ્તક પાણીપત ૧૭૬૧ને સૌથી વિશ્વાસપાત્ર ગૌણ સ્રોત માનવામાં આવે છે અને તેમની નોંધ અનુસાર "લડાઈમાં અને ત્યારબાદ ૭૦,૦૦૦ મરાઠા (સૈનિકો અને અન્ય) કરતાં ઓછા નહિ મર્યા હોય"

લડાઈના પશ્ચાઘાત સ્વરૂપે આશરે દસ વર્ષ સુધી મરાઠાઓનું ઉત્તરમાં વિસ્તરણ અટકી ગયું અને વિસ્તારમાં અસ્થિરતાની પરિસ્થિતિ ઉભી થઈ. આ સમયકાળને પેશવા માધવરાવનો શાસનકાળ માનવામાં આવે છે, જેમને પાણીપત ખાતે હાર બાદ મરાઠાઓનો પુનઃવિકાસ કરવાનો શ્રેય આપવામાં આવે છે. ૧૭૭૧માં પાણીપત ખાતેની હારના દસ વર્ષ બાદ તેમણે ઉત્તર ભારતમાં મરાઠા પ્રભુત્વ પુનઃસ્થાપિત કરવા અને અફઘાનોનો સાથ આપનાર રોહિલ્લા અને મરાઠા પ્રભુત્વને પડકારનાર શાસકોને સજા કરવા માટે મોટા સૈન્યને મોકલ્યું. પાણીપતની કથાના લાંબા ઇતિહાસના આખરી સોપાન તરીકે આ અભિયાનની સફળતા ગણવામાં આવે છે.[૧૦]

પશ્ચાદભૂ

ફેરફાર કરો

મુઘલ સામ્રાજ્યનું પતન

ફેરફાર કરો

૨૭ વર્ષીય મુઘલ-મરાઠા યુદ્ધ (૧૬૮૦-૧૭૦૭)ના પરિણામે મુઘલ સામ્રાજ્યની શક્તિનો ક્ષય થયો હતો અને તેને કારણે મરાઠા સામ્રાજ્યના વિસ્તારમાં વીજવેગે વધારો થયો. પેશવા બાજી રાવના શાસનમાં ગુજરાત, માળવા અને રાજપૂતાના મરાઠા સત્તા હેઠળ આવ્યાં. આખરે ૧૭૩૭માં બાજી રાવે મુઘલોને દિલ્હી પાસે હરાવ્યા અને દિલ્હીની દક્ષિણે રહેલ તમામ મુઘલ વિસ્તારોને મરાઠા સત્તા હેઠળ લાવ્યા. બાજી રાવના પુત્ર બાલાજી બાજી રાવે મરાઠા પ્રભુત્વ વાળા વિસ્તારમાં ૧૭૫૮માં પંજાબ પર હુમલો કરી વધારો કર્યો.

૪ મે ૧૭૫૮ના રોજ પેશવાને સંબોધિત રઘુનાથરાવનો પત્ર:[૧૧]

લાહોર, મુલતાન, કાશ્મીર અને અટ્ટોકની આ તરફ આવેલા મોટાભાગના સૂબાઓ મહદ અંશે આપણી સત્તા હેઠળ છે અને જે સ્થળો આપણા કબ્જામાં નથી તે ટૂંક સમયમાં આપણા કબ્જામાં હશે. અહમદ શાહ દુર્રાનીના પુત્ર તીમુર શાહ અને જહાન ખાનનો આપણા સૈનિકોએ પીછો કર્યો હતો અને તેમના સૈનિકોને સંપૂર્ણપણે લૂંટી લેવામાં આવ્યા. બંને કેટલાક હતાશ સૈનિકોને લઈ પેશાવર પહોંચી ગયા છે.... તેથી અહમદ શાહ દુર્રાની ૧૨થી ૧૪ હજાર સૈનિકોને લઈ કંદહાર પાછા જતા રહ્યા છે... આમ અહમદ શાહે વિસ્તાર પરનો કબ્જો ગુમાવ્યો છે અને સૌએ તેની વિરુદ્ધ બળવો કર્યો છે. અમે નક્કી કર્યું છે કે કંદહાર સુધી આપણે સત્તા લંબાવવી.

આ કારણથી મરાઠાઓ અહમદ શાહ અબ્દાલીના દુર્રાની સામ્રાજ્ય સાથે સીધા સંઘર્ષમાં આવ્યા. ૧૭૫૯માં તેણે પશ્તુ અને બલોચ કબીલાઓને એકઠા કરી સૈન્ય ઉભું કર્યું અને મરાઠાઓના પંજાબ ખાતે સ્થિત નાની છાવણીઓ વિરુદ્ધ વિજયો મેળવ્યા. તેઓએ બાદમાં મરાઠાઓ વિરુદ્ધ તેમના મિત્ર રોહિલ્લા અફઘાનો સાથે મળી મોરચો રચ્યો.

મરાઠાઓએ સદાશિવરાવ ભાઉના નેતૃત્વમાં ૪૫,૦૦૦થી ૬૦,૦૦૦ સૈનિકોનું સૈન્ય તેમના વિરોધમાં ઉભું કર્યું અને તેમની સાથે ઉત્તર ભારતમાં પવિત્ર હિંદુ સ્થળની જાત્રા માટે આવી રહેલ આશરે ૧,૦૦,૦૦૦ યાત્રાળુઓ પણ જોડાયા. મરાઠાઓએ પટડુર ખાતેથી તેમનો ઉત્તર દિશાનો પ્રવાસ માર્ચ ૧૪, ૧૭૬૦ના રોજ શરુ કર્યો. બંને પક્ષોએ અવધના નવાબ શુજા-ઉદ્-દૌલાને પોતાની છાવણીમાં આણવા પ્રયાસ કર્યો. જુલાઈના અંતમાં અવધના નવાબે ઇસ્લામના સૈન્યમાં જોડાવાનું કારણ આપી અને અફઘાન-રોહિલ્લા મોરચા સાથે જોડાણની જાહેરાત કરી. મરાઠાઓ માટે વ્યૂહાત્મક દૃષ્ટિએ આ મોટું નુક્શાન હતું, કેમ કે શુજાએ અફઘાનોને ઉત્તર ભારતમાં લાંબો સમય રોકાણ માટે આર્થિક સહાય આપી હતી. એ શંકાસ્પદ છે કે શુજાની સહાય વિના અફઘાન-રોહિલ્લા જોડાણ મરાઠાઓ વિરુદ્ધ અભિયાન ચાલુ રાખી શકત.[સંદર્ભ આપો]

મરાઠાઓનો ઉદય

ફેરફાર કરો

ગ્રાન્ટ ડફ અનુસાર મરાઠા સૈન્યનું વર્ણન:[૧૨]

ઉંચા અને ખુલ્લી જગ્યા ધરાવતા, રેશમ અને બનાતના કાપડ વડે બનેલા તેમજ કાપડ પર જડેલા મોટા આભુષણો ધરાવતા તંબુઓ દૂરથી સ્પષ્ટ દેખાતા હતા... દરેક ખૂણામાંથી એકઠા કરાયા હોય તેવા મોટી સંખ્યામાં હાથીઓ, અનેકવિધ ધ્વજો, સુંદર વસ્ત્રાભૂષણો ધરાવતા શ્રેષ્ઠ ઘોડાઓ.. આ બધું મુઘલો જ્યારે તેમની સર્વોચ્ચ કળાએ હતા તેનું સુંદર અને અભિરુચિવાળું અનુકરણ જણાતું હતું.

મરાઠાઓએ ૧૭૦૭ થી ૧૭૫૭ના ગાળામાં ભારતના નોંધપાત્ર વિસ્તાર પર સત્તા મેળવી હતી. ૧૭૫૮માં તેમણે દિલ્હી પર કબ્જો કર્યો અને લાહોર પર કબ્જો કરી અફઘાન શાસક અહમદ શાહ અબ્દાલીના પુત્ર અને સુબેદાર તીમુર શાહ દુર્રાનીને ભગાડી મૂક્યો હતો.[૧૩] આ મરાઠા વિસ્તરણનો સૌથી ટોચનો સમય હતો જેમાં મરાઠા સામ્રાજ્ય ઉત્તરમાં સિંધુ નદી અને હિમાલય પર્વતમાળા અને દક્ષિણમાં દ્વીપકલ્પના છેડા સુધી ફેલાયેલ હતું. સમગ્ર વિસ્તાર પર પેશવાનો વહીવટ હતો જેઓ મુઘલ ગાદી પર પોતાના પુત્ર વિશ્વાસરાવને બેસાડવાની વાત કરતા હતા. જોકે, દિલ્હી મુઘલોના દેખાવ પૂરતા નિયંત્રણ હેઠળ હતું અને પેશવાની આ વાતને કારણે શાહ વલીઉલ્લાહ સહિતના ભારતના મુસ્લિમ ધર્મગુરુઓને ફાળ પડી. દુઃસાહસી વિચાર દ્વારા તેમણે આ ભયને ઉભો થતો અટકાવવા અફઘાન શાસક અહમદ શાહને અપીલ કરી.[૧૪]

સદાશિવરાવ ભાઉ


જેમ્સ ફાર્બસ સર્જિત મરાઠા સૈનિકનું નક્શીકામ
દુર્રાની સામ્રાજ્યના શાહી સૈનિકો

પ્રસ્તાવના

ફેરફાર કરો

મરાઠાઓના વિસ્તરણની ખબર અહમદ શાહને તેમના પુત્ર અને અન્ય મિત્ર રાજ્યો તરફથી મળતાં તેઓ આવેશમાં આવ્યા અને વિસ્તરણ રોકવા નક્કી કર્યું. ૧૭૫૯ના અંત સુધી અબ્દાલી અફઘાન કબીલાઓ અને તેમના સ્થાનિક અફઘાન રોહિલ્લા મિત્ર નજીબ ખાન સાથે લાહોર અને દિલ્હી ખાતે નાની મરાઠા છાવણીઓને હરાવી અને પહોંચી ગયા હતા. આ તકે અહમદ શાહે પોતાના સૈન્યને રોહિલ્લા વિસ્તારની હદ પર આવેલા અનુપશહર ખાતે ખસેડ્યું અને ત્યાં રહી અને તેમણે અવધના નવાબ શુજા-ઉદ્-દૌલાને મરાઠાઓ વિરુદ્ધના મોરચામાં જોડાવા સફળતાપૂર્વક મનાવી લીધા. અગાઉ મરાઠાઓએ ફર્રુખાબાદ ખાતે સફદરજંગને (શુજાના પિતા) રોહિલ્લાઓને હરાવવા સહાય આપી હતી.[૧૫]

અફઘાનોના ઉત્તર ભારતમાં પ્રવેશના સમાચારની પ્રતિક્રિયારુપે મરાઠાઓએ સદાશિવરાવ ભાઉના નેતૃત્વ હેઠળ સૈન્ય ઉભું કર્યું અને ઉત્તર દિશામાં કૂચ આદરી. ભાઉના સૈન્યની તાકાતમાં વધારો કરતાં હોલકર, સિંધિયા, ગાયકવાડ અને ગોવિંદ પંત બુંદેલા તરફથી પણ સૈનિકો જોડાયા. સુરજ મલ (ભરતપુરના જાટ રાજા) પણ ભાઉસાહેબ સાથે શરુઆતમાં જોડાયા. આ સંયુક્ત સૈન્યએ અફઘાન કબ્જામાંથી દિલ્હીને ડિસેમ્બર ૧૯૫૯માં મુક્ત કર્યું.[૧૬] ભૂતકાળના હુમલાઓને કારણે દિલ્હી અનેક વખત રાખમાં મળી ચૂક્યું હતું અને મરાઠા છાવણીમાં પુરવઠાની ખેંચને કારણે વસ્તી વિહોણા શહેરને લૂંટવા ભાઉએ આદેશ આપ્યો.[૧૭] તેમણે પોતાના ભત્રીજા અને પેશવાના પુત્ર વિશ્વાસરાવને મુઘલ ગાદી પર બેસવા યોજના બનાવી હતી. જાટ સમુદાયે મરાઠાઓને ટેકો ન આપ્યો. તેમણે પાછો ખેંચેલ ટેકો આવનારી લડાઈ અને તેમાંથી થયેલ પીછેહઠમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાનો હતો. અબ્દાલીએ દત્તાજી શીંદેના નેતૃત્વ હેઠળના નાના સૈન્ય પર બુરારી ઘાટ ખાતે હુમલો કરી ખૂન રેડવાની શરુઆત કરી. આ લડાઈમાં દત્તાજી માર્યા ગયા.[૧૮]

શરુઆતની અથડામણો

ફેરફાર કરો

લડવા માટે તૈયાર બંને પક્ષો વચ્ચે ખૂબ દાવપેચ થયા અને કરનાલ અને કુંજપુરા ખાતે અથડામણો થઈ. દિલ્હીથી આશરે ૯૦ કિમી ઉત્તરે યમુનાના કાંઠે સ્થિત કુંજપુરા પર મરાઠાઓએ હુમલો કર્યો અને અફઘાન છાવણીમાંના તમામ સૈનિકો માર્યા ગયા અથવા બંદી બનાવાયા.[૧૯] કુંજપુરા ખાતે તૈનાત ૧૫,૦૦૦ અફઘાન સૈનિકો વિરુદ્ધ મરાઠાઓએ ધાર્યા કરતાં આસાનીથી વિજય મેળવ્યો. અબ્દાલીના કેટલાક શ્રેષ્ઠ સેનાપતિઓ માર્યા ગયા. અહમદ શાહે વરસાદને કારણે બે કાંઠે વહેતી યમુનાના ડાબા કાંઠે છાવણી ઉભી કરી હતી અને તેથી તે કુંજપુરા ખાતે સહાય કરવા અસમર્થ હતા. કુંજપુરાની છાવણી ખાતે અબ્દાલીની નજર સમક્ષ થયેલ ખુવારીથી તે એટલા વ્યાકુળ બન્યા કે તેમણે કોઈપણ ભોગે યમુના પાર કરવા આદેશ આપ્યો.[૨૦] ઓક્ટોબર ૧૯, ૧૭૬૦ના રોજ અહમદ શાહ અને તેમના સાથીઓએ શહાદ્રા ખાતેથી છાવણી સમેટી અને દક્ષિણ તરફ કૂચ કરી. ગણતરીપૂર્વકનું જોખમ લઈ અને અહમદ શાહ નદીમાં ઉતર્યા અને તેમની પાછળ અંગરક્ષકો તેમજ સૈનિકો ઉતર્યા. ઓક્ટોબર ૨૩ અને ૨૫ વચ્ચે બાગપત ખાતે તેઓએ નદી પાર કરી. આમ કરતાં તેમને કોઈ વિરોધ ન નડ્યો કેમ કે મરાઠાઓ હજુ કુંજપુરાની છાવણીને લૂંટવામાં વ્યસ્ત હતા.[૨૧]

તેનો વિરોધ કરી અને પરિસ્થિતિ સંભાળવા માટે રઘુનાથરાવે ઉત્તરમાં જવાનું હતું. રઘુનાથરાવે આમ કરવા માટે મોટી રોકડ રકમ અને સૈન્યની માંગણી કરી જેના માટે પેશવાના પિત્રાઈ અને દિવાન સદાશિવરાવ ભાઉએ મના કરી. તેથી રઘુનાથરાવે જવા માટે ના પાડી. ત્યારબાદ સદાશિવરાવ ભાઉને મરાઠા સૈન્યના સર્વોચ્ચ સેનાપતિ બનાવાયા અને તેમના નેતૃત્વ હેઠળ પાણીપતની લડાઈ લડવામાં આવી.

અબ્દાલીના સૈન્યને નદી ઓળંગતા અટકાવવામાં નિષ્ફળ રહ્યા બાદ મરાઠાઓએ પાણીપત ખાતે રક્ષણાત્મક ગોઠવણી કરી અને દુશ્મન સૈન્યનો અફઘાનિસ્તાનનો રસ્તો રોક્યો અને તે જ રીતે અબ્દાલીના સૈન્યએ મરાઠાઓનો દક્ષિણ તરફનો માર્ગ રોક્યો. જોકે ઓક્ટોબર ૨૬ના રોજ અહમદ શાહના મોખરાના સૈનિકો સાંબલ્કા; જે સોનીપત અને પાણીપત અધવચ્ચે આવેલ છે તે સ્થળે, મરાઠા સૈન્યના પાછળના સૈનિકોના સંપર્કમાં આવ્યા. ભીષણ અથડામણ થઈ જેમાં અફઘાનોએ ૧,૦૦૦ સૈનિકો ગુમાવ્યા પણ તેઓએ મરાઠાઓને પોતાના મુખ્ય સૈન્ય તરફ ધકેલી દીધા જેમણે અનેક દિવસો સુધી ધીમી ગતિએ પીછેહઠ ચાલુ રાખી. તેને કારણે મરાઠા સૈન્ય આંશિક રીતે ઘેરાઈ ગયું. ત્યારબાદ થયેલી અથડામણોમાં; ગોવિંદ પત બુંદેલા જેમની સાથે તાલીમ વિનાનું ૧૦,૦૦૦ સૈનિકોનું અશ્વદળ હતું અને તેઓ પોતાના ૫૦૦ સૈનિકો સહિત જંગલમાં ચારો એકઠો કરવા ગયા ત્યારે મેરઠ પાસે તેમના પર ઓચિંતો હુમલો થયો અને લડાઈમાં તેઓ માર્યા ગયા. ત્યારબાદ દિલ્હીથી પાણીપત રોકડ રકમ અને ખાધા ખોરાકીનો પુરવઠો પહોંચાડવા નીકળેલા ૨,૦૦૦ મરાઠા સૈનિકોનું નુક્શાન થયું. તેમ થતાં મરાઠા સૈન્ય ઘેરાઈ ગયું અને અહમદ શાહે તેમના પુરવઠાની હરોળ કાપી નાખી.[૨૨]

પુરવઠો અને ખાધા ખોરાકીની ખેંચ સર્જાતાં મરાઠા છાવણીમાં તણાવમાં વધારો થયો. શરુઆતમાં મરાઠાઓએ લાંબી પહોંચ મર્યાદા ધરાવતી, ફ્રાન્સ દ્વારા નિર્મિત તોપખાનાંની ૧૫૦ તોપો નિયુક્ત કરી હતી. ઘણા કિલોમિટર પહોંચ મર્યાદા ધરાવતી આ તોપ તત્કાલીન તોપોમાં શ્રેષ્ઠ ગણાતી હતી. મરાઠા યોજના અનુસાર જે સમયે તેમની પાસે તોપખાનાંની સહાય હોય તે સમયે અફઘાન સૈન્યને લડવા માટે ફરજ પાડવાની હતી.[૨૩]

શરુઆતના દાવપેચ

ફેરફાર કરો

ઘેરાના આગામી બે મહિના દરમિયાન સતત અથડામણો ચાલુ રહી અને બંને પક્ષે સૈન્ય ટુકડીઓ વચ્ચે દ્વંદ્વયુદ્ધ થતું રહ્યું. આવી એક અથડામણમાં નજીબે તેના ૩,૦૦૦ રોહિલ્લા સૈનિકો ગુમાવ્યા અને તે પોતે પણ મરતાં બચ્યો. મડાગાંઠની પરિસ્થિતિ જોતાં અબ્દાલીએ સમજૂતીનો પ્રસ્તાવ મૂક્યો જેના પર વિચાર કરવા ભાઉ તૈયાર હતા પણ નજીબ ખાને સમજૂતીના મોકાને ધાર્મિક અપીલ દ્વારા વિલંબમાં નાંખી દીધો અને તેણે મરાઠાઓ સમજૂતીને માન આપસે તે બાબતમાં સૌના મનમાં શંકા ઉભી કરી.[૨૪]

મરાઠાઓ કુંજપુરાથી પાણીપત આવી ગયા ત્યારબાદ દિલેર ખાન મારવાતે તેના પિતા આલમ ખાન મારવાત સહિત ૨૫૦૦ પશ્તુ કબીલાના સૈનિકો સાથે કુંજપુરા કબ્જે કર્યું. તે સમયે ત્યાં સ્થિત મરાઠા છાવણી ૭૦૦-૮૦૦ સૈનિકો ધરાવતી હતી. તે સમયે અબ્દાલીના વઝીરના પુત્ર અતાઇ ખાન બલુચે અફઘાનિસ્તાનથી ૧૦,૦૦૦ અશ્વદળ સૈનિકો સાથે લાવી અને મરાઠા પુરવઠા હરોળને સંપૂર્ણ રીતે કાપી નાખી.[૨૫] પાણીપત ખાતે મરાઠાઓ સંપૂર્ણ રીતે ઘેરાઈ ગયા, દક્ષિણમાં અબ્દાલી, પૂર્વમાં પશ્તુ કબીલાઓ (યુસુફઝાઈ, અફ્રીદી, ખટ્ટક), ઉત્તરમાં શુજા, અતાઇ ખા અને અન્યો તેમજ પશ્ચિમમાં અન્ય પશ્તુ કબીલાઓ (ગંદાપુર, મારવાત, દુર્રાની અને કાકર) હતા.[૨૬]

પુરવઠા વિના અને સૈન્ય મદદની વધુ રાહ જોયા વિના ભાઉએ ઘેરાને તોડવાનું નક્કી કર્યું. તેમની યોજના અનુસાર તોપમારા વડે અફઘાનોને નબળા પાડવા અને ત્યારબાદ અશ્વદળ વડે તમામ અફઘાન સૈન્યને ક્ષતવિક્ષત કરી નાખવું. અફઘાનોનું મનોબળ તૂટી જતાં તે છાવણીને રક્ષણાત્મક સ્થિતિમાં કૂચ કરાવી અને દિલ્હી તરફ લઈ જશે જ્યાં તેમને પુરવઠો મળી રહેવા ખાતરી હતી.[૨૭]

મરાઠા સરદારોએ સદાશિવરાવ પર ભૂખમરાને બદલે લડવા માટે દબાણ કરાતાં જાન્યુઆરી ૧૩ના રોજ મરાઠા સૈન્યએ છાવણી છોડી અને દક્ષિણમાં અફઘાન સૈન્ય તરફ ઘેરો તોડવા આગળ વધ્યું. સવારે ૮ વાગ્યે બંને સૈન્યો આમનેસામને આવી ગયાં.[૨૮]

મરાઠા હરોળ કાલા અંબથી થોડે ઉત્તરે શરુ થતી હતી. તેમણે અબ્દાલીનો ઉત્તરમાં અફઘાનિસ્તાન તરફનો માર્ગ રોક્યો હતો અને તે જ રીતે અબ્દાલીએ મરાઠાઓનો દિલ્હી તરફનો માર્ગ રોક્યો હતો. ભાઉ, પેશવાના પુત્ર અને શાહી અંગરક્ષકો કેન્દ્રમાં હતા. ડાબી પાંખમાં ઈબ્રાહીમ ખાનના નેતૃત્વ હેઠળ ગાર્દી હતા. હોલકર અને સિંધિયા જમણા છેડે હતા.[૨૯]

મરાઠા હરોળ ૧૨ કિમી સુધી ફેલાયેલી હતી, તોપખાનું મોખરે હતું અને તેને પાયદળ, ભાલા ધારી સૈનિકો, બંદૂકચીઓ અને તીરંદાજો વડે રક્ષણ અપાયું હતું. અશ્વદળને તોપો અને સંગીન ધારી બંદૂકબાજો પાછળ રાહ જોવા આદેશ હતો, જ્યારે યુદ્ધક્ષેત્ર મરાઠાઓના કાબૂમાં આવવા લાગે ત્યારે તેમણે હુમલો કરવાનો હતો. આ હરોળ પાછળ વધુ ૩૦,૦૦૦ યુવા મરાઠા સૈનિકો હતા જેમને યુદ્ધનો અનુભવ ન હતો અને તેમની પાછળ સામાન્ય નાગરિકો હતા. નાગરિકોમાં મોટાભાગના હિંદુ યાત્રાળુઓ હતા. આ યાત્રાળુઓ પાછળ પણ એક યુવા અને બિન અનુભવી સૈનિકોની રક્ષણાત્મક હરોળ હતી.[૩૦]

સામા છેડે અફઘાનોએ પણ લગભગ સમાન હરોળ જ રચી હતી, જે આધુનિક સનૌલી માર્ગથી કેટલાક મિટર દક્ષિણે હતી. તેમની ડાબી પાંખ નજીબ દ્વારા અને જમણી પાંખ બે બ્રિગેડ સૈનિકો દ્વારા રચાયેલી હતી. કેન્દ્રની ડાબી બાજુએ બે વઝીર અને શુજા-ઉદ્-દૌલાના નેતૃત્વ હેઠળ હતી અને તેમાં ૩,૦૦૦ સૈનિકો, ૫૦ તોપો અને અબ્દાલીના વઝીર શાહ વલી હેઠળના ૧૯,૦૦૦ બખ્તરધારી અશ્વદળ સૈનિકો હતા.[૩૧] જમણી બાજુએ હાફીઝ રહેમત હેઠળ ૧૫,૦૦૦ રોહિલ્લા અને અન્ય રોહિલ્લા પઠાણ સરદારો હતા. ડાબી પાંખમાં પસંદ ખાન અને તેમના ૫,૦૦૦ અશ્વદળના સૈનિકો હતા. બરખુરદાર ખાન અને અમીર બેગ જમણી પાંખમાં ૩,૦૦૦ રોહિલ્લા અશ્વદળ સાથે હતા. લડાઈ દરમિયાન લાંબી પહોંચ મર્યાદા ધરાવતા બંદૂકબાજો પણ હતા. આ ગોઠવણીમાં અહમદ શાહે આગેકૂચ કરી અને પોતે મનપસંદ કેન્દ્રિય સ્થિતિમાં રહ્યા. તે હરોળના પાછળના ભાગમાં સ્થિત હતા જ્યાંથી તેઓ લડાઈ જોઈ તેમજ જરુરી આદેશ આપી શકતા હતા.[૩૨]

શરુઆતનો તબક્કો

ફેરફાર કરો

જાન્યુઆરી ૧૪, ૧૭૬૧ના મળસ્કા પહેલાં મરાઠા સૈનિકોએ છાવણીમાં બાકી રહેલ અનાજ દ્વારા ઉપવાસ તોડ્યો અને લડાઈની તૈયારી કરી. તેઓ ખાઇમાંથી બહાર આવ્યા અને તોપોને ધકેલી અને પૂર્વનિશ્ચિત સ્થાન પર અફઘાનોથી આશરે બે કિમી દૂર ગોઠવવા લાગ્યા. લડાઈ શરુ થવાની ધારણા બંધાતા, અહમદ શાહે તેની ભમરિયા ખાંચા વિનાની ૬૦ તોપોને ગોઠવી અને ગોલંદાજી શરુ કરી.[૩૩]

શરુઆતનો હુમલો ઈબ્રાહીમ ખાન હેઠળ મરાઠાઓની ડાબી પાંખે કર્યો, પાયદળ પોતાની નિશ્ચિત સ્થિતિ જાળવી અને રોહિલ્લા અને શાહ પસંદ ખાન વિરુદ્ધ આગળ વધ્યું. મરાઠા તોપોનો પ્રથમ એક સામટો મારો અફઘાનોના માથા ઉપરથી જતો રહ્યો અને તેને કારણે બહુ ઓછું નુક્શાન કરી શક્યો. અફઘાનોનો પ્રથમ હુમલો નજીબ ખાન હેઠળ રોહિલ્લાઓએ કર્યો અને તેને મરાઠા ભાલા ધારી સૈનિકો, તીરંદાજો અને વિખ્યાત ગાર્દી બંદૂકબાજોએ તોપખાનાની નજીર રહી અને નિષ્ફળ બનાવ્યો. મરાઠા તોપોનો બીજો સામટો મારો બહુ નજીક રહેલ અફઘાન હરોળમાં દાગવામાં આવ્યો. તેને પરિણામે થયેલ ખૂનરેજીને કારણે રોહિલ્લાઓ શરુઆતની અફઘાન સ્થિતિ સુધી પીછેહઠ કરી ગયા અને સમગ્ર યુદ્ધક્ષેત્ર આગામી ત્રણ કલાક માટે ઈબ્રાહીમ ખાનના હાથમાં જતું રહ્યું. તે સમયગાળા દરમિયાન ૮,૦૦૦ ગાર્દી બંદૂકબાજોએ આશરે ૧૨,૦૦૦ રોહિલ્લાઓને ઠાર માર્યા.[૩૪]

બીજા તબક્કામાં ભાઉએ પોતે અફઘાન વઝીર શાહ વલીના નેતૃત્વ હેઠળ રહેલા કેન્દ્રના ડાબા હિસ્સા પર હુમલાનું નેતૃત્વ કર્યું. આ હુમલા પ્રચંડ બળપ્રયોગને કારણે અફઘાન હરોળ તૂટવા લાગી અને મુંઝવણને કારણે અફઘાન સૈનિકો પોતાની સ્થિતિમાંથી ભાગવા લાગ્યા. શાહ વલીએ પોતાના સૈનિકોને લડવા પ્રેરિત કરતાં આખરી કોશિષ તરીકે શુજા-ઉદ્-દૌલાને સહાય માટે અપીલ કરી. પણ નવાબ પોતાની સ્થિતિ પરથી ન હટ્યા અને તેને કારણે અફઘાન કેન્દ્રના ભાગ પડી ગયા અને જગ્યા ઉભી થઈ. ભાઉની સફળતા છતાં સંપૂર્ણ સફળતા ન મળી કેમ કે અડધા ખોરાક પર રહેલા ઘણા ઘોડા થાકી ગયા.[૩૫]

આખરી તબક્કો

ફેરફાર કરો

સિંધિયાના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ નજીબ ઉપર હુમલો કર્યો. નજીબે સફળતાપૂર્વક રક્ષણાત્મક લડાઈ લડી અને સિંધિયા સૈન્યને રોકી રાખ્યું. બપોરના ૧૨ વાગ્યે એવું જણાવા લાગ્યું કે ભાઉ વધુ એક વખત મરાઠાઓ માટે વિજય ઝુંટવી લેશે. અફઘાનોની ડાબી પાંખે પોતાની સ્થિતિ જાળવી હતી પણ કેન્દ્રમાં બે ભાગ પડી ગયા હતા અને જમણી પાંખ લગભગ નાશ પામી હતી. અબ્દાલીએ લડાઈ પોતાના તંબુમાંથી નિહાળી હતી અને તે પોતાની ડાબી પાંખ દ્વારા રક્ષણ મેળવી રહ્યા હતા. તેણે પોતાના અંગરક્ષકોને છાવણીમાં રહેલ ૧૫,૦૦૦ અનામત સૈનિકોને આગળ લાવવા અને બંદૂકધારી અશ્વદળની આગળ ગોઠવવા તેમજ ૨,૦૦૦ શતુરનાળ તોપોને ઊંટ પર લાદવા આદેશ આપ્યો.[૩૬][પાનાં ક્રમાંક જરૂરી છે]

શતુરનાળ ઊંટ પર લાદેલ હોવાને કારણે તે પોતાના સૈનિકોના માંથા ઉપરથી મરાઠા અશ્વદળ પર એકસામટો મારો કરી શકતી હતી. મરાઠા અશ્વદળ અફઘાન બંદૂકો અને શતુરનાળ તોપોનો સામનો ન કરી શકી. તે સવારને ઉતાર્યા વગર દાગી શકાતી હતી અને તે ઝડપી અશ્વદળ સામે બહુ કારગર હતી. તે કારણોસર અબ્દાલીએ પોતાના ૫૦૦ અંગરક્ષકોને છાવણીમાં મોકલી અને શારિરીક રીતે સક્ષમ એવી તમામ વ્યક્તિને મોરચા પર મોકલવા આદેશ કર્યો. તેણે વધુ ૧,૫૦૦ અંગરક્ષકોને મોખરાની હરોળને સજા કરવા મોકલ્યા કેમ કે તેઓએ અગાઉ લડવાને બદલે પલાયન કરવા કોશિષ કરી હતી, અંગરક્ષકોને જે સૈનિક લડવા ન જાય તેને કોઈપણ દયા દર્શાવ્યા વિના મારી નાંખવા આદેશ આપ્યો. ૪,૦૦૦ અનામત સૈનિકો સહિત આ વધારાના સૈનિકોએ નાશ પામેલ જમણી રોહિલ્લા પાંખને સહાય કરવા મોકલી. આ બખ્તરધારી સૈનિકોએ વઝીરને પાસે રાખીને આગળ હુમલો કરવા ધસવાનું હતું. તેઓ જ્યાં પણ મરાઠા હરોળમાં હુમલો કરે તેની પાંખોએ સેનાધ્યક્ષ અને નજીબને હુમલો કરવા સૂચના હતી.[૩૭]

પોતાના સૈનિકો આગળ હોવાને કારણે મરાઠા તોપખાનું શતુરનાળના તોપમારાનો જવાબ ન આપી શક્યું. બપોરે ૨ વાગ્યે હાથોહાથની લડાઈ શરુ થઈ ત્યાર સુધીમાં આશરે ૭,૦૦૦ મરાઠા અશ્વદળ અને પાયદળ સૈનિકો માર્યા ગયા. બપોરે ૪ વાગ્યા સુધીમાં થાકી ગયેલ મરાઠા પાયદળ તાજા અફઘાન અનામત સૈનિકોના સતત હુમલા સામે મરવા લાગ્યા.[૩૮]

ઘેરામાં

ફેરફાર કરો

સદાશિવરાવ ભાઉ એ હાથી પરથી નીચે ઉતરી સૈન્યનું નેતૃત્વ હાથમાં લેવા સિવાય કોઈ આરો ન રહ્યો કેમ કે તેમણે કોઈ અનામત સૈનિકો રાખ્યા નહોતા, મોખરાની હરોળોમાં સૈનિકો ઘટવા લાગ્યા હતા, પાછળ નિઃશસ્ત્ર નાગરિકો હતા અને વિશ્વાસરાવ લડાઈ દરમિયાન ગાયબ થયા હતા.

તકનો લાભ લઈ અને કુંજપુરા ખાતેથી બંદી બનાવાયેલ અફઘાન સૈનિકોએ બળવો કર્યો. આ બંદીઓએ જાણીજોઈને મરાઠાઓની હારની અફવા ફેલાવી. તેને કારણે મરાઠા સૈન્યમાં અસમંજસ અને આઘાતની લાગણી જન્મી અને તેમને એવી માન્યતા ઉભી થઈ કે દુશ્મને પાછળથી હુમલો કર્યો છે. પોતાના સેનાપતિને હાથી પરથી ગાયબ જોઈને કેટલાક મરાઠા સૈનિકો ગભરાટના માર્યા ભાગવા લાગ્યા.[૩૯]

અબ્દાલીએ કેટલાક સૈનિકોને મરાઠા સૈન્યની ડાબી પાંખમાં નિયુક્ત ગાર્દીઓને ઘેરી અને મારી નાંખવા આદેશ આપ્યો હતો. ભાઉસાહેબે ૧૫૦૦ અશ્વદળ ધરાવતા વિઠ્ઠલ વિંચુરકર અને ૨૫૦૦ અશ્વદળ ધરાવતા દામાજી ગાયકવાડને ગાર્દીઓનું રક્ષણ કરવા આદેશ આપ્યો. જોકે, તેમણે ગાર્દીઓને લડતા જોઈ પોતાની ધીરજ ગુમાવી અને પોતે જ રોહિલ્લાઓ જોડે લડવા નિર્ણય કર્યો. આથી તેઓએ પોતાની જગ્યા છોડી અને તમામ સૈનિકો સાથે રોહિલ્લાઓ પર હુમલો કર્યો. મરાઠા અશ્વદળ માત્ર તલવાર વડે સજ્જ હતું અને રોહિલ્લા બંદૂકચીઓએ સચોટ નિશાન લઈ અને હુમલો કરનાર અશ્વદળ પર ગોળીબાર કર્યો. આમ થતાં રોહિલ્લાઓને ગાર્દીઓને બાજુએથી હુમલો કરી ઘેરી લેવાની તક મળી અને મરાઠા કેન્દ્ર ઘેરાઈ ગયું. તે દરમિયાન શાહ વલીએ આગળથી હુમલો કર્યો. આમ ગાર્દીઓ રક્ષણ વિહોણા બન્યા અને એક-એક કરીને મરવા લાગ્યા.[૪૦]

તે દરમિયાન વિશ્વાસરાવનું માથામાં ગોળી વાગતાં મૃત્યુ થઈ ચૂક્યું હતું. ભાઉ અને તેના શાહી અંગરક્ષકો આખર સુધી લડ્યા અને તે દરમિયાન ભાઉના ત્રણ ઘોડા મૃત્યુ પામ્યા. આ તબક્કે હોલકરે અંદાજ બાંધ્યો કે મરાઠાઓ લડાઈ હારી ચૂક્યા છે અને તેણે ડાબી પાંખથી પીછેહઠ કરી.[૪૧] મરાઠાઓની આગળની હરોળમાં વધુ નુક્શાન નહોતું થયું અને સૂર્યાસ્ત સુધી કેટલીક તોપચી ટુકડીઓ લડી રહી હતી. રાત્રિ દરમિયાન હુમલો ન કરવા નિર્ણય કરાતાં ઘણા મરાઠા સૈનિકો રાત્રિ દરમિયાન નાશી ગયા. ભાઉના પત્ની પાર્વતીબાઈ જેમણે મરાઠા છાવણીનો વહીવટ સંભાળ્યો હતો તે પોતાના અંગરક્ષક જાનુ ભીંતડા સાથે નાશી અને પુના પહોંચવામાં સફળ રહ્યા. આશરે ૧૫,૦૦૦ સૈનિકો સફળતાપૂર્વક ગ્વાલિયર પહોંચ્યા.

પરિણામના કારણો

ફેરફાર કરો

દુર્રાની પાસે મરાઠાઓ કરતાં સંખ્યાબળ અને ગુણવત્તાની દૃષ્ટિએ ચડિયાતું સૈન્ય હતું. સંયુક્ત અફઘાન સૈન્ય મરાઠાઓ કરતાં ઘણું વધારે મોટું હતું. મરાઠા પાયદળ યુરોપી ઢબે સુવ્યવસ્થિત ગોઠવાયેલ હતું અને તત્કાલીન શ્રેષ્ઠ ગણાતી તોપો સૈન્ય પાસે હતી પણ તે ઝડપી અફઘાન સૈન્યની સાપેક્ષમાં સ્થિર એક જ જગ્યાએ રહેતી હતી. મરાઠાઓના હળવાં બખ્તરવાળા અશ્વદળ કરતાં ભારે બખ્તર ધરાવતું અફઘાન અશ્વદળ વધુ અસરકારક હતું.[૪૨] અબ્દાલી સામે લડવા કોઈપણ હિંદુ રાજાએ સહાય ન કરી. અબ્દાલીના મિત્ર શાસકો નજીબ, શુજા અને રોહિલ્લાઓ ઉત્તર ભારતને વધુ સારી રીતે જાણતા અને સમજતા હતા. અબ્દાલી પોતે રાજદ્વારી કુનેહ ધરાવતા હતા અને તેનું પ્રદર્શન તેમણે હિંદુ શાસકો જેમ કે જાટ અને રાજપૂત સાથે સમજુતી કરી અને જુના વિરોધિ અવધના નવાબને ધર્મના નામે અપીલ કરી પોતાની છાવણીમાં લાવીને કર્યું હતું.[૪૩]

વધુમાં, મરાઠા સરદારો વચ્ચે આંતરિક ઝઘડાઓ વારંવાર થતા હતા. દરેકને પોતાનું સ્વતંત્ર રાજ્ય ઉભું કરવાના મનસૂબા હતા અને તેઓ એક જ દુશ્મન સામે લડવા તૈયાર નહોતા.[૪૪] તેમાંના કેટલાક ગોળ લડાઈ અથવા આમને સામને લડવાને બદલે છાપામાર યુદ્ધ લડવાના હિમાયતી હતી.[સંદર્ભ આપો] મરાઠાઓ તેમની રાજધાની પુનાથી આશરે ૧,૫૦૦ કિમી દુર એકલા લડી રહ્યા હતા.[૪૫]

પરિસ્થિતિ સંભાળવા માટે રઘુનાથરાવે ઉત્તરમાં જવાનું હતું. રઘુનાથરાવે આમ કરવા માટે મોટી રોકડ રકમ અને સૈન્યની માંગણી કરી જેના માટે પેશવાના પિત્રાઈ અને દિવાન સદાશિવરાવ ભાઉએ મના કરી. તેથી રઘુનાથરાવે જવા માટે ના પાડી. ત્યારબાદ સદાશિવરાવ ભાઉને મરાઠા સૈન્યના સર્વોચ્ચ સેનાપતિ બનાવાયા અને તેમના નેતૃત્વ હેઠળ પાણીપતની લડાઈ લડવામાં આવી. સદાશિવરાવ ઉત્તર ભારતના રાજકીય અને સૈન્ય વાતાવરણથી અજાણ્યા હતા અને મલ્હારરાવ હોલકર અથવા રઘુનાથરાવને બદલે તેમને પેશવાએ સેનાપતિ નિયુક્ત કર્યા તે દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય હતો.[૪૬]

જો હોલકર લડાઈમાં રહ્યા હોત તો મરાઠાઓની હારમાં વિલંબ થાત પણ તે અટકાવવી શક્ય નહોતી. મલ્હારરાવ હોલકરની સલાહ અનુસાર મરાઠાઓએ પંજાબ અને ઉત્તર ભારતમાં જો ગનીમી કાવા અથવા છાપામાર યુદ્ધ લડ્યું હોત તો અબ્દાલીની આમનેસામનેની લડાઈમાં નિપુણતા નકામી રહેત. અબ્દાલી પોતાના સૈન્યને અનિશ્ચિત કાળ સુધી ભારતમાં રાખવા અસમર્થત હતા.[૪૭]

લડાઈ બાદનો નરસંહાર

ફેરફાર કરો

અફઘાન અશ્વદળ અને ભાલા ધારી સૈનિકોએ પાણીપતની શેરીઓમાં આતંક મચાવ્યો અને હજારો મરાઠા સૈનિકો અને નાગરિકોની હત્યા કરી.[૫][૬] પાણીપતની શેરીઓમાં આસરો લેનાર સ્ત્રીઓ અને બાળકોને બંદી બનાવી અફઘાન છાવણીમાં મોકલી દેવાયાં. ૧૪ વર્ષથી વધુ વયના પુરુષ બાળકોને તેમની માતા અને બહેનો સામે માથું વાઢીને હત્યા કરવામાં આવી. જે અફઘાન સરદારોએ લડાઈમાં પોતાના સગા-સંબંધી ગુમાવ્યા હતા તેમને પાણીપત અને આસપાસના વિસ્તારોમાં કાફર હિંદુઓની હત્યા કરવા છૂટ આપવામાં આવી.[૪૮] અફઘાન છાવણીની બહાર કપાયેલાં માથાં વડે વિજય ટેકરા ઉભા કરાયા. શુજા-ઉદ્-દૌલાના દિવાન કાશી રાજે તેમના પ્રથમદર્શી અનુભવની નોંધ કરતા બાખરને માન્ય ગણવામાં આવે છે અને તે અનુસાર લડાઈના બીજા દિવસે ૪૦,૦૦૦ મરાઠા બંદીઓનો ઠંડા કલેજે નરસંહાર કરવામાં આવ્યો હતો.[૫][૬] બોમ્બે ગેઝેટના હેમિલ્ટન અનુસાર લડાઈના દિવસે આશરે ૫,૦૦,૦૦૦ લાખ મરાઠા સૈનિકો અને નાગરિકો હાજર હતા અને બીજા દિવસે આશરે ૪૦,૦૦૦ બંદીઓની હત્યા કરવામાં આવી.[સંદર્ભ આપો] ભાગી રહેલ અનેક મરાઠા સ્ત્રીઓ બળાત્કાર અને અપમાન સહેવાના ડરના કારણે પાણીપતના કુવાઓમાં કૂદી આપઘાત કર્યો.[૪૮]

તમામ કેદીઓને બળદગાંડા, ઊંટ અને હાથીઓ પર વાંસના પિંજરામાં અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યા.[૪૮]

સિયાર-ઉત્-મુતાખરીની અનુસાર:[૪૮]

નાખુશ બંદીઓને લાંબી કતારમાં કૂચ કરવા ફરજ પડાઈ અને કેટલુંક સુકું અનાજ અને પાણીના ઘુંટ બાદ તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો... જે બાળકો અને સ્ત્રીઓ જીવિત રહ્યા તેમને ગુલામીમાં ધકેલવામાં આવ્યા- જેની સંખ્યા આશરે ૨૨,૦૦૦ હતી અને તેમાં ઘણા ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા.

પશ્ચાઘાત

ફેરફાર કરો
લડાઈના એક દાયકા બાદ ઉત્તર ભારતમાં મરાઠા સત્તા ફરી સ્થાપિત કરનાર મહાડજી સિંધિયા.

મરાઠાઓએ વિશ્વાસરાવ અને ભાઉના પાર્થિવ શરીરોને ખોળી કાઢ્યાં અને તેમને રીતિરિવાજ અનુસાર આખરી સંસ્કાર આપવામાં આવ્યા.[૪૯] ભાઉનાં પત્ની પાર્વતીબાઈને ભાઉની સૂચના અનુસાર હોલકરે બચાવ્યાં અને પુના ખાતે પરત પહોંચાડ્યા.

પોતાના સૈન્યની સ્થિતિથી અજાણ પેશવા બાલાજી બાજી રાવ જ્યારે વધુ સૈનિકો સાથે નર્મદા ઓળંગી રહ્યા હતા ત્યારે તેમને સમાચાર મળ્યા. તેઓ પુના પાછા ફર્યા અને પાણીપત ખાતે મળેલ નિષ્ફળતાના આઘાતથી ક્યારેય ઉંચા ન આવ્યા.[૧૩]

ઝાંકોજી સિંધિયા કેદ પકડાયા અને નજીબની ઉષ્કેરણીથી તેમને મારી નંખાયા. ઈબ્રાહીમ ખાન ગાર્દી પર આવેશમાં આવેલા અફઘાન સૈનિકોએ અત્યાચાર ગુજાર્યો અને તેમને મારી નાખ્યા.[૪૯] પાણીપતની હારથી મરાઠાઓ કદી ઉંચા ન આવ્યા પણ તેઓ ભારતમાં સૌથી શક્તિશાળી સૈન્ય તાકાત બની રહ્યા અને તેમણે ૧૦ વર્ષની અંદર દિલ્હી ફરી કબ્જામાં લીધું. પરંતુ પાણીપતથી આશરે ૫૦ વર્ષ બાદ થયેલા પ્રથમ આંગ્લ-મરાઠા યુદ્ધ અને ત્યારબાદના વધુ બે અંગ્રેજો સાથેના યુદ્ધને કારણે તેમનો સમગ્ર ભારત પરના દાવાનો અંત આવી ગયો.[૫૦]

પાણીપતની લડાઈમાં ભાગ ન લેવાને કારણે સુરજ મલના નેતૃત્વ હેઠળ જાટોને ખૂબ ફાયદો થયો. તેઓએ લડાઈમાંથી જીવિત બચેલા અને ભાગેલા મરાઠા સૈનિકો તેમજ નાગરિકોને નોંધપાત્ર સહાય કરી. ૧૭૬૩માં નજીબ વિરુદ્ધ લડતાં સુરજ મલનું મૃત્યુ થયું. સુરજ મલ ડિસેમ્બર ૨૫, ૧૭૬૩ના રોજ નજીબના નેતૃત્વ હેઠળ રોહિલ્લાઓ સામે લડતાં માર્યા ગયા જેમની વિરુદ્ધ તેમણે મરાઠાઓને લડવામાં સહાય નહોતી કરી.[સંદર્ભ આપો]

અહમદ શાહના વિજયને કારણે ટૂંકા ગાળા માટે તેઓ ઉત્તર ભારતના સત્તાધીશ બન્યા. પરંતુ તેમનું જોડાણ આંતરિક ઝઘડાઓને કારણે તુરંત તૂટી ગયું, તેમાં અબ્દાલીના અફઘાન સેનાપતિઓનો સ્થાનિક રાજાઓ સાથે ઝઘડો, સૈનિકોમાં પગાર બાબતે અસંતોષ, ભારતની અસહ્ય ગરમી અને દક્ષિણમાં મરાઠાઓ દ્વારા બદલો લેવા અને બંદીઓને છોડાવવા ૧,૦૦,૦૦૦ સૈનિકોના નવા સૈન્યના સમાચાર જેવા કારણો હતા.[સંદર્ભ આપો]

અબ્દાલી લડાઈ જીતવા છતાં તેમના પક્ષે મોટી ખુવારી થઈ હતી, તેથી તેમણે મરાઠાઓ સાથે શાંતિનો પ્રસ્તાવ મૂક્યો. અબ્દાલીએ નાનાસાહેબ પેશ્વાને (જે ઉત્તરમાં અબ્દાલી વિરુદ્ધ ભાઉ સાથે જોડાવા આવી રહ્યા હતા) પત્ર લખીને અપીલ કરી કે તેમણે ભાઉ ઉપર હુમલો નહોતો કર્યો અને તેઓ માત્ર આત્મરક્ષણ કરી રહ્યા હતા. અબ્દાલીએ ફેબ્રુઆરી ૧૦, ૧૭૬૧ના પત્રમાં લખ્યું:[૫૧]

આપણી વચ્ચે દ્વેષ રાખવા કોઈ કારણ નથી. આપના પુત્ર વિશ્વાસરાવ અને ભાઈ સદાશિવરાવ લડાઈમાં મૃત્યુ પામ્યા તે દુર્ભાગ્યપૂર્ણ હતું. ભાઉએ લડાઈની શરુઆત કરી તેથી મારે નાછૂટકે સામે લડવું પડ્યું. તેમ છતાં મને તેમના મૃત્યુનો અફસોસ છે. મહેરબાની કરી આપ પહેલાં જેમ દિલ્હીની રખેવાળી કરવાનું ચાલુ રાખશો તેમાં મારો કોઈ વિરોધ નથી, ફક્ત સતલજ સુધીનું પંજાબ અમારા હસ્તક રહેવા દેશો. જેમ આપે અગાઉ કર્યું હતું તેમ શાહ આલમને ફરી દિલ્હીની ગાદી પર બેસારશો અને આપણા વચ્ચે શાંતિ અને મિત્રતા રહેવા દેશો તે જ મારી હ્રદયપૂર્વકની ઇચ્છા છે, તેનું મને અનુદાન આપશો.

ઉપરોક્ત કારણોસર અબ્દાલી ત્વરિત ગતિએ ભારત છોડવા મજબૂર બન્યા અને ફરી તેઓ કદી પરત આવ્યા નહિ. જતાં પહેલાં તેઓએ ભારતીય શાસકો જેમાં અંગ્રેજ રોબર્ટ ક્લાઇવ પણ હતા તેમને શાહી ફરમાન આપી જાહેરાત કરી કે શાહ આલમ બીજો ભારતનો શહેનશાહ છે.[૫૨]

અહમદ શાહે નજીબ-ઉદ્-દૌલાને મુઘલ સમ્રાટનો ઉપલખિયો કારભારી પણ નિયુક્ત કર્યો. તેના બદલામાં નજીબ અને મુનીર-ઉદ્-દૌલા અબ્દાલીને મુઘલ રાજા વતી વાર્ષિક ૪૦,૦૦,૦૦૦ રુ ખંડણી આપવા સહમત થયા.[૫૨] આ અભિયાન અહમદ શાહનું ઉત્તર ભારતમાં આખરી અભિયાન હતું અને ત્યારબાદ તેઓ વધુને વધુ શીખ મિસલોના બળવામાં રોકાયેલા રહ્યા.[૫૩][પાનાં ક્રમાંક જરૂરી છે] આમ, અબ્દાલીને પાણીપતની લડાઈથી મોટો ફાયદો ન મળ્યો અને ઓક્ટોબર ૧૬, ૧૭૭૨માં કંદહાર પ્રાંતમાં મૃત્યુ પામ્યા.

શાહ સુજાને અફઘાન સૈન્ય સાથે જોડાવાના નિર્ણયનો પાછળથી પશ્ચાતાપ થયો. તેમના જ સમયમાં સૈન્યમાં જૂનવાણી વિચાર ધરાવતા સુન્ની મુસ્લિમ અને તેમના શિયા મુસ્લિમો વચ્ચે મતભેદ ઉભા થયા. તેઓએ ગુપ્ત રીતે ભાઉસાહેબને અબ્દાલી સાથે જોડાણ કરવાના નિર્ણય બાબત અફસોસ વ્યક્ત કરતો પત્ર લખ્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવે છે.[સંદર્ભ આપો]

પાણીપતની લડાઈમાં રોહિલ્લાઓએ આપેલ સેવાના બદલામાં નવાબ ફૈઝ-ઉલ્લાહને શિકોહાબાદ અને નવાબ સાદુલ્લાહ ખાનને ફિરોઝાબાદ પુરસ્કાર રુપે આપવામાં આવ્યા. નજીબ ખાન અસરકારક શાસક પૂરવાર થયા. પરંતુ ૧૭૭૦માં તેમના મૃત્યુ બાદ રોહિલ્લાઓને અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ હરાવી દીધા. નજીબ ઓક્ટોબર ૩૦, ૧૭૭૦ના રોજ મૃત્યુ પામ્યા.[૫૪]

અહમદ શાહ અબ્દાલીએ મરાઠાઓએ પ્રદર્શિત કરેલ શૌર્યના વખાણ કર્યાં.[૫૫]

મરાઠાઓએ સર્વોચ્ચ વીરતાનું પ્રદર્શન કરતાં લડાઈ લડી જે અન્ય સમુદાયોની ક્ષમતા કરતાં વધારે હતી. રક્તપાત કરવા સક્ષમ આ નિડર યોદ્ધાઓ લડવામાં અને વીરતા ભર્યા પરાક્રમો કરવામાં જરા પણ ઓછા ન પડ્યા. પરંતુ અંતે અમે વધુ સારી રણનીતિ અને અલ્લાહના કૃપાદૃષ્ટિને કારણે વિજય મેળવ્યો.

પાણીપતની ત્રીજી લડાઈમાં એક જ દિવસમાં બહુ મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા અથવા ઇજાગ્રસ્ત બન્યા. ૧૯૪૭માં ભારતના ભાગલા સુધી દક્ષિણ એશિયાના સ્થાનિક સૈન્ય તાકાતો વચ્ચે આ આખરી મોટી લડાઈ હતી.

પોતાના સામ્રાજ્યને બચાવવા માટે મુઘલોએ વધુ એક વખત પક્ષપલટો કરી અને અફઘાનોને દિલ્હીમાં આવકાર્યા. મુઘલોએ ભારતના એક નાના વિસ્તાર પર પોતાની સત્તા જાળવી રાખી અને ફરી ક્યારેય નોંધપાત્ર શક્તિ ન બન્યા. આખરી સમ્રાટ બહાદુર શાહ ઝફરને જ્યારે ૧૮૫૭નો ભારતીય વિપ્લવમાં સામેલ હોવાના આરોપ હેઠળ દેશનિકાલ કરાયા ત્યારે સામ્રાજ્યનો સત્તાવાર રીતે અંત આવ્યો.

લડાઈને કારણે મરાઠાઓનું વિસ્તરણ વિલંબમાં પડ્યું અને સામ્રાજ્યમાં આંતરિક ઝઘડાઓની શરુઆત થઈ. તેઓ આગામી પેશવા માધવરાવ પ્રથમના શાસનકાળમાં ફરી આગળ આવ્યા અને ૧૭૭૧ સુધીમાં ફરી ઉત્તર તેમના કબ્જામાં હતું અને દિલ્હી પણ તેમના વર્ચસ્વ હેઠળ હતું. પરંતુ, માધવરાવના મૃત્યુ બાદ આંતરિક ઝઘડાઓ અને અંગ્રેજોના વધતા દબાણને કારણે ૧૮૧૮માં ત્રીજા આંગ્લ-મરાઠા યુદ્ધ સાથે તેમના સમગ્ર ભારત પરના દાવાનો અંત આવી ગયો.

તે દરમિયાન શીખો જેમના બળવાના કારણે અહમદ શાહે હુમલો કર્યો હતો તેઓ લડાઈની અસરથી સંપૂર્ણ રીતે બચી રહ્યા. તેમણે લાહોર પર તુરંત પુનઃકબ્જો કર્યો. જ્યારે ૧૭૬૪માં અહમદ શાહ પરત ફર્યા ત્યારે તેમણે અફઘાનિસ્તાનમાં થયેલ બળવાને કારણે માત્ર બે અઠવાડિયામાં જ ઘેરો તોડી અને પરત જવું પડ્યું. તેઓએ ૧૭૬૭માં ફરી કોશિષ કરી પણ કોઈ નિર્ણાયક જીત તેમને મળી નહિ. તેમના પોતાના સૈનિકોમાં પગાર બાબતના અસંતોષને કારણે સમગ્ર પ્રદેશ તેઓ શીખ સામ્રાજ્ય પાસે હારી ગયા જેમણે આ વિસ્તાર પર ૧૮૪૯ સુધી કબ્જો જાળવી રાખ્યો. અંતે, તે અંગ્રેજ સામ્રાજ્યએ પોતાના કબ્જામાં લીધો.

લડાઈનો સંદર્ભ રુડયાર્ડ કિપ્લિંગની કવિતા વિથ સિંધિયા ટુ દિલ્હીમાં આવે છે.

Our hands and scarfs were saffron-dyed for signal of despair,

When we went forth to Paniput to battle with the Mleccha,

Ere we came back from Paniput and left a kingdom there.

જોકે લડાઈને બંને પક્ષે વીરતાના ચિહ્નરુપે જોવામાં આવે છે. સંતાજી વાઘનો મૃતદેહ ૪૦ મરણતોલ જખ્મો સાથે મળી આવ્યો. પેશવાના પુત્ર વિશ્વાસરાવ અને સદાશિવ ભાઉની વીરતાને અફઘાનોએ પણ સ્વીકારી છે.[૫૬]

લોકપ્રિય માધ્યમોમાં

ફેરફાર કરો

ચલચિત્ર દિગ્દર્શક આસુતોષ ગોવારીકર દ્વારા અર્જુન કપુર, સંજય દત્ત અને ક્રિતિ સેનન તારાંકિત ચલચિત્ર પાણીપત બનાવવા જાહેરાત કરી છે જે પાણીપતની ત્રીજી લડાઈ પર આધારિત છે.

વધુ વાચન

ફેરફાર કરો
  • H. G. Rawlinson, An Account Of The Last Battle of Panipat and of the Events Leading To It, Hesperides Press (2006) ISBN 978-1-4067-2625-1
  • Vishwas Patil, Panipat - a novel based on the 3rd battle of Panipat, Venus (1990)
  • Uday S. Kulkarni, A Non Fiction book – Solstice at Panipat – 14 January 1761 Mula-Mutha Publishers, Pune (2011). ISBN 978-81-921080-0-1
  • Abhas Verma, Third Battle of Panipat Bharatiya Kala Prakashana ISBN 9788180903397

બાહ્ય કડીઓ

ફેરફાર કરો